માતા અને માતા પર લખવું એ હંમેશા ગમતો અને ખુબ જ વિસ્તૃત વિષય છે. મધર્સ ડે .. એક દિવસ દરેક માતાઓને નામ.જગતની એ તમામ માતા જેના પ્રેમનો કોઈ પર્યાય નથી. "મા" ને વર્ણવવી એટલે જાતે અસમર્થતા જાહેર કરવી. મા બોલતા જ એમનો સાદ, એમનો સ્પર્શ, વ્હાલ, લાડ, આપણી આસપાસ અનુભવાય છે. મમ્મીઓ બધાની સરખી જ હોવાની અને આટલી સમાનતા સાથે આ એક પાત્ર ભારે વૈવિધ્યપૂર્ણ છે. બાળકનું ગર્ભારોપણ થાય ત્યારથી એનું વાત્સલ્ય બાળકની સાથે જોડાતું હોય છે. પોતાની દરેક પ્રવૃત્તિ, બધા જ વિચારો, અંગત નિર્ણયો, દરેક ખુશી, અને બધી જ આનંદની લાગણીમાં એનું બાળક મોખરે હોય છે. બે વર્ષના બાળકને સુવડાવવા ખાતર આખી રાત જાગતી માતા અને ૨૨ વર્ષનો જુવાન જયારે રાતે ઘરે મોડો આવે ત્યારે રાહ જોતી માતા બંને સમાન છે. વિશ્વની દરેક ભાષામાં નિર્વિવાદપણે માતા વિષે લખાયું છે અને લખાતું રહેશે. એક જ અક્ષરનો શબ્દ સ્નેહનો ખજાનો સાચવીને બેઠો છે.
માતામાં કદાચ પ્રભાવ નહિ દેખાતો હોઈ પણ પ્રેમ-ભાવ જરૂર હશે. જગતનો એકમાત્ર એવો ઋણાનુબંધ જે બધાને સહર્ષ મંજુર છે. માતાણી હાજરી માત્ર થી વ્યક્તિ કેટલીય બાબતો પર ધ્યાન આપવાનું મૂકી દેતો હોય છે કેમ કે એક વિશ્વાસ છે કે મમ્મી છે ને !! આસમાન જેટલી વિશાળતા, દરિયા જેટલું ઉંડાણ અને મધ જેવી મીઠાશનું કોકટેલ એટલે મમ્મી. મમ્મી સવારે ઉઠાડે છે, જમવાનું બનાવે છે, આપણી અને આપણી બધી જ વસ્તુઓની કાળજી રાખે છે, દુર હોય ત્યારે સતત યાદ કરે છે અને વળી આપણે ડિસ્ટર્બ ના થાય એટલે કેટલીય લાગણીઓ દબાવી રાખે છે. આપણે તો ઘણું કહેતા હોય પણ ક્યારેક માતાને પણ કૈક કહેવું હશે ને ? એક દીકરો સતત માતા પાસે પ્રેમની નોન રીફંડેબલ અપેક્ષા રાખતો હોય તો માતાને પણ કૈક જોઈતું હશે ને !! એને બાળકની ખુશી ખપે છે, ચહેરા પરની મુસ્કાન ખપે છે.
લોકગીત થી ઈગ્લીશ સોન્ગ્સ સુધી, લોકસાહિત્યથી શિષ્ઠ સાહિત્ય સુધી, લખાણથી માંડીને ફિલ્મો સુધી બધે જ માતાનો ઉલ્લેખ થયો છે અને તોય એમ લાગે કે હજુ ઘણું બાકી છે.
કેટલાય કોડ હશે એક માતાના.. !! કેટલું ચાહે છે એક માતા પોતાના અંશને !! તમારા દેખાવ, સ્વભાવ, કે પ્રભાવ સાથે એને કોઈ નિસ્બત નથી સાહેબ !! એને માટે તો એનો લાડકો, એનો લાલો, એનો કાનો કે એનો પ્રણવ સહુથી વધુ અગત્યનો છે. સાહેબ પેટમાં આપણા દુખતું હોયને ઊંઘ માતાને ના આવે !
દિવસભરનો થાક જેનો એક હાથ પસવારતા ઉતરી જાય એ મા ! હું પ્રણવ સાચે સહુથી કોઈ સાથે એટેચ્ડ હોવને તો એ મારી મમ્મી છે. આજે પણ એ યાદ છે કે રોજ સવારે ઉઠીને મમ્મી બે મિનીટ સુવડાવે .. આખી રાતની ઊંઘનો સંતોષ એ બે મીનીટમાં જ આવે . હું ટીફીન લઇ જતા ભૂલી જાવ એવું બને પણ મમ્મી પુછતા ના ભૂલે કે ટીફીન ભર્યું કે નહિ !! એ સામ્જાવે છે, શિખામણ આપે છે, ગુસ્સે થાય છે, વ્હાલ કરે છે, એ ઢાલ બને છે, એ મસ્તક ઉચ્ચું રાખી જીવતા શીખવે છે, એ હિંમત આપે છે, એ રાહ જોવે છે, એ જાગે છે પોતાના સંતાનના સપના પુરા કરવા, ઇચ્છાઓને મનમાં દબાવી દે છે સંતાનોની અપેક્ષા પૂરી કરવા, એ ઘાવ પર ફૂંકમારે અને ઘાવ માટી જાય, એ નાના બાળકને ભણાવવા પોતે ના શીખેલું ગણિત પણ શિખે, બાળકની કેરિયર આગળ વધે એ માટે પોતાને ના ખબર પડતી હોય એવી ડીગ્રીની વાતો અન ધ્યાનથી સાંભળે, ૪૫ વર્ષે એ કૈક નવું શીખે છે કે જેથી એ પોતાના ૨૦ વર્ષનના સંતાન સાથે તાલ મિલાવી શકે, મમ્મી તું કેટલું બધું કરે છે !! માંગલ્યની મીઠાશ ધરાવતી માવડી એટલે પ્રેમની ઓપન યુનિવર્સીટી. માતા મહારથીની હોય કે મવાલીની હોય એ માતા છે, એ જ માતા જેનો પ્રેમ લખવો એ અસમર્થ કાર્ય છે. જિંદગીની જે ક્ષણે વ્યક્તિને સફળતા, સન્માન કે સ્ટેન્ડિંગ ઓવેશન મળે છે એમાં આપણી મહેનત કરતા આપણા ઉછેર માટે માતાએ કરેલી કુરબાની વધુ હોય છે. માતા જિંદગીની ફિલ્મનો હિરો નથી પણ દિર્ગદર્શક છે જે પોતાના બાળક માટે સ્વપ્ન જુએ છે અને પડદા પાછળથી એને કંડારે છે.
ધન્યવાદ છે માતાઓને, ખુબ જ પ્યાર, વ્હાલ, લાડ અને સ્નેહ સાથે મારી માતા #દિપાલીબેન અને વિશ્વની દરેક માતાઓને હેપ્પી મધર્સ ડે !!
ટહુકો :
હાલરડું એટલે શું?
રડતા બાળક ને હિંચકો નાખતા માતા કહે તું છાનો રહી જા,
તારા બદલે *હાલ-હું-રડું!*